દહેગામ શહેરમાં ગઈકાલે ધોળા દિવસે ૪૦ વર્ષીય યુવકનું અપહરણ કરી તેની નમુનાપૂર્વક હત્યા કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણના કારણે આચરવામાં આવેલા આ ગુનામાં ચાર શખસોએ ભેગા મળી યુવકનું કારમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. યુવકના ભાઈની ફરિયાદના આધારે દહેગામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓએ યુવકને અપ્રુજી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના સાયફન પાસે પાણીમાં ફેંકી દીધો હતો. આ હકીકત આધારે પોલીસે તપાસ હાથ ધરીને કેનાલમાંથી મૃતક યુવકની લાશ કબજે કરી હતી અને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગુનામાં મુખ્ય આરોપી કિરણ ચૌહાણ (રહે. વાસના સોગઠી) છે, જેણે પોતાના મિત્રો અરવિંદ ઉર્ફે વીરૂ (રહે. શિયાવાડા) તેમજ સુનીલ ચૌહાણ અને વિજય ચૌહાણ (બંને રહે. પહાડિયાના મુવાડા, તા. દહેગામ) સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ અરવિંદની ઓલ્ટો કારમાં યુવકનું અપહરણ કરી કેનાલે લઈ જઈ આ હત્યા કરી હોવાનું ખુુલ્યું છે.

