દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સતત કાર્યરત છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વાસમ શેટ્ટી તથા દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી આયુષ જૈન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અન્વયે દહેગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાફને જરૂરી પેટ્રોલિંગ અને સઘન તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.

આ સૂચનાના ભાગરૂપે તા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હાજર હતી. તે દરમિયાન અ.હેડ.કોન્સ. વિજયસિંહ તીતસિંહ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોજે દહેગામ ખાતે સ્ટેશન રોડ ઉપર આવેલ જોગણી માતાના મંદિરની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના અંગત ફાયદા માટે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે.
મળેલી બાતમીને આધારે પોલીસ ટીમ દ્વારા પંચોને સાથે રાખીને રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન જાહેરમાં પૈસા પાનાથી જુગાર રમતા નીચે મુજબના કુલ ૦૩ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે:
પકડાયેલ આરોપીઓ:
૧. દિનેશભાઈ મેવાજી ઠાકોર (ઉ.વ.-૪૨, રહે. હરિઓમ સોસાયટી, દહેગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર)
૨. સંદિપભાઈ અશોકભાઈ રાઠોડ (ઉ.વ.-૩૦, રહે. હરિઓમ સોસાયટી, દહેગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર)
૩. રીયાઝ સમીરભાઈ લુહાર (ઉ.વ.-૨૩, રહે. નવદુર્ગા ચાલી, સ્ટેશન રોડ, દહેગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર)
પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ કુલ રૂ. ૮,૯૧૦/-, દાવ ઉપરથી મળી આવેલ રૂ. ૨,૮૫૦/- તેમજ ગંજીપાના નંગ-૫૨ મળી કુલ રૂ. ૧૧,૭૬૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો છે.
આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.-૧૧૨૧૬૦૦૫၂૬૦૬૬૯/૨૦૨૬ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધીને જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.દેસાઈ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એન.શાહ તથા સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓ સક્રિયપણે જોડાયા હતા.

