અમદાવાદમાં બનેલા ગોઝારા અકસ્માતની ઘટનાને લઇ ગુજરાત પોલીસે તમામ શહેર અને જિલ્લામાં બેદરકાર અને ઓવર સ્પીડથી વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈ અકસ્માતના બીજા દિવસે જ સુરત પોલીસે મોડી રાત સુધી ચેકિંગમાં જોતરાઈ ગઈ હતી, પરંતુ આ કામગીરી માત્ર એક દિવસ પૂરતી જ સીમિત રહી હતી. જે બાદ દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા રાત્રિના સમયે સતત બે દિવસ શહેરના જુદા-જુદા મહત્ત્વના વિસ્તારોમાં પોલીસની કામગીરી કેવી ચાલી રહી છે, તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શહેરના કોઈ જ પોઇન્ટ પર પોલીસની કોઈ વિશેષ કામગીરી જોવા મળી ન હતી. આ દરમિયાન મોટી વાત તો એ જાણવા મળી હતી કે, ઓવર સ્પીડ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ સ્પીડ ગન માત્ર મેમો આપવા પૂરતી જ મર્યાદિત રહી છે. આ ગન રાત્રિના સમયે ઉપયોગમાં લઈ શકાતી નથી. બીજી તરફ મોટાભાગના ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, ઓવર સ્પીડ, સ્ટંટ બાજી વગેરે નબીરાઓ દ્વારા રાત્રિના 9થી 12ના સમયગાળા દરમિયાન સૌથી વધુ થતું હોય છે. આ જ સમયે સ્પીડ ગનનો કોઈ જ ઉપયોગ થઈ શકતો નથી.
સુરતમાં એક દિવસ દેખાડા પૂરતી કામગીરી થઈ
અમદાવાદમાં જેગુઆર કાર અકસ્માતની કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. સમગ્ર ગુજરાતમાં આ અકસ્માતની ખૂબ જ ગંભીર નોંધ લેવામાં આવી રહી છે. અમદાવાદમાં અકસ્માત બન્યો અને બીજા જ દિવસે સુરતમાં અકસ્માતોને રોકવા અને શહેરમાં ઓવર સ્પીડને લઈ તપાસ કરતી હોય તે રીતે પોલીસ કામગીરી કરવા લાગી હતી. શહેરમાં 2000 જેટલા પોલીસકર્મી રોડ પર ઉતરીને મોડી રાત સુધી વાહનોનું ચેકિંગ કરવા લાગ્યા હતા. આ માત્ર ઉપરથી આવેલ ઓર્ડરને ફોલો કરવા અને કામગીરી દેખાડવા પૂરતી જ મર્યાદિત રહી હતી. કારણ કે, અકસ્માતની ઘટના બાદ પોલીસ દ્વારા જે રીતે એક્શનમાં કામગીરી કરવામાં આવી હતી. તેના બીજા દિવસથી દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા શહેરના મહત્ત્વના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તપાસ કરવામાં આવી તો કોઈ પણ પ્રકારના પોલીસનું ચેકિંગ જોવા મળ્યું ન હતું. કોઈપણ પોઇન્ટ ઉપર પોલીસની ટીમ પણ જોવા મળી ન હતી.
કરોડોના ખર્ચે અપાયેલી સ્પીડ ગન યોગ્ય સમયે જ નિષ્ફળ
રાજ્ય સરકાર દ્વારા સુરત પોલીસને 31 જેટલી સ્પીડ ગન અને ચાર ઇન્ટર સેપ્ટર ગન ફાળવવામાં આવી છે. જેના થકી શહેરમાં રસ્તાઓ ઉપર ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. પણ સ્પીડ ગનને લઈ ખૂબ જ ચોકાવનારી માહિતી સામે આવી છે. ખરેખર જે સમયે આ સ્પીડ ગનના ઉપયોગની જરૂરિયાત ઊભી થાય છે, તે સમયે તેનો ઉપયોગ થઈ શકતી જ નથી. કરોડોના ખર્ચે ફાળવેલી સ્પીડ ગન માત્ર દિવસ દરમિયાન જ ઉપયોગમાં લેવાય છે, રાત્રિ સમયે તેનો કોઈ જ ઉપયોગ તંત્ર કરી શકતું નથી.
ઓવર સ્પીડ અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના રાત્રે વધુ કેસ
નબીરાઓ દ્વારા શહેરમાં ઓવર સ્પીડથી પોતાનું વાહન ચલાવવું, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરવું, ઉપરાંત સ્ટંટ બાજી કરવી કે શહેરના રસ્તાને રેસિંગ ટ્રેક બનાવવા આ તમામ સૌથી વધુ રાત્રિના સમયે કરવામાં આવે છે. ખાસ કરીને ટ્રાફિક ઓછો હોય તેવા સમયે એટલે કે, રાત્રિના 9થી 12ના સમય દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિ શહેરમાં વધુ જોવા મળતી હોય છે. ત્યારે આવા સમયે ખરા અર્થમાં આ લોકો પર લગામ લગાવવા માટે સ્પીડ ગનની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ રાત્રિના સમયે જ આ સ્પીડ ગનની આંખ બંધ થઈ જાય છે. એટલે માત્ર આ સ્પીડ ગન દિવસ દરમિયાન શહેરમાં દોડતા વાહનોને મેમો આપવા પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે.
56 હજારથી વધુ લોકોને ઈ-મેમો મોકલવામાં આવ્યો
એક તરફ ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી સ્પીડ ગનથી ઓવર સ્પીડ પર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સુફિયાણી વાતો કરી રહ્યા છે. અમદાવાદની બનેલી ઘટના બાદ સુરતમાં ઓવર સ્પીડ માટે કરવામાં આવેલી કામગીરીની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, માત્ર છ મહિનામાં સુરત શહેર પોલીસ દ્વારા 1.90 લાખ લોકો શહેરમાં ઓવર સ્પીડિંગ ગાડી ચલાવતા હોય તેમને આઈડેન્ટીફાય કરીને તેમની સામે કેસો કરવામાં આવ્યા છે. જ્યારે ચાર ઇન્ટર સેપ્ટરની મદદથી 56,000થી વધુને ઈ-ચલણ બનાવી મોકલવામાં આવ્યા છે. પરંતુ આ માત્ર તો મેમો આપવા પૂરતી જ વાતો સીમિત થઈ ગઈ છે. રાત્રિના સમયે જે ઓવર સ્પીડમાં ગાડીઓ જાય છે, તેના પર લગામ લગાવવા માટે અને સ્ટંટ બાજી કરતા કે રાત્રિના રસ્તાઓને રેસિંગ ટ્રેક બનાવતા નબીરાઓ સામે આ સ્પીડ ગન કોઈ જ કામ લાગતી નથી.
રાત્રે સ્પીડ ગનને વિઝિબિલિટી નથી મળતી
કરોડોના ખર્ચે ફાળવવામાં આવેલ સ્પીડ ગન રાત્રિના સમયે ઉપયોગ જ ના થઈ શકતી હોય તે અંગે ટ્રાફિક અધિકારીને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, રાત્રે વિઝિબિલિટી મળતી નથી. ગાડીઓની લાઈટ શરૂ હોવાને કારણે અને અંધારું હોવાને કારણે ગાડીના નંબર સાથેના ફોટા પાડી શકતા નથી. એટલે સ્પીડ ગન માત્ર દિવસે જ ઉપયોગમાં લેવાય છે, રાત્રે ઉપયોગ કરી શકાતો નથી.
અકસ્માતના હોસપોટ પોઇન્ટ પર રાત્રિના કોઈ ચેકિંગ નહીં
ટ્રાફિક ડીસીપી દ્વારા પોલીસ તપાસની અને કડક કાર્યવાહીની સારી સારી વાતો ઉજાગર કરવામાં આવે છે, પણ હકીકત એના કરતાં ઘણી બધી વિપરીત છે. ડીસીપી દ્વારા જે રીતે શહેરમાં પોલીસ દ્વારા અકસ્માતના હોસપોટ પોઇન્ટ ઉપર રાત્રિએ પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ઓવર સ્પીડ વાહન ઉપર ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેવી વાત કરવામાં આવી રહી છે. પરંતુ ખરેખર હકીકત કાંઈક અલગ જ જોવા મળી હતી. પોલીસ દ્વારા જે સ્પોર્ટ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં વધુ અકસ્માતો થાય છે અને ઓવર સ્પીડથી વધુ વાહનો પસાર થાય છે. તેવી જગ્યા પર દિવ્ય ભાસ્કર દ્વારા બે દિવસ સુધી તપાસ કરવામાં આવતા રાત્રિના સમયે કોઈ જ પોલીસની ટીમ કે અધિકારી જોવા મળ્યા ન હતા. આવા સ્પોટ પર પોલીસ માત્ર 31st કે વાર-તહેવાર કે અમદાવાદમાં બની તેવી ઘટના બન્યા બાદ એક દિવસ પૂરતી જ તપાસ કરે છે. બાકી સામાન્ય દિવસોમાં એક પણ પોલીસ ત્યાં ફરકતી નથી. છેલ્લા બે દિવસ શહેરના 15થી વધુ જુદા જુદા વિસ્તારોની રાત્રિના સમયે દિવ્ય ભાસ્કર દ્વારા મુલાકાત કરવામાં આવી છે. જ્યાં આ હકીકત જોવા મળી હતી.
સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી.
80% અકસ્માતો ઓવર સ્પીડિંગ અને રોંગ સાઈડના
સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા પાંચ વર્ષના અકસ્માતોનો ડેટાબેઝ તૈયાર કરીને શહેરમાં કુલ આઠ જંકશનો અને ચાર કોરિડોરને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે, જ્યાં અવારનવાર અકસ્માતો થતા આવી રહ્યા છે. આવા જંકશન ઉપર પોલીસ દ્વારા સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઓવર સ્પીડમાં ચલાવતા વાહનો પર પોલીસ કાર્યવાહી કરી રહી છે. તેમણે વધુમાં પણ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં થયેલા અકસ્માતોમાં કુલ અકસ્માતના લભગભ 80% અકસ્માતો ઓવર સ્પીડિંગ અને રોંગ સાઈડના કારણે થાય છે. ત્યારે પોલીસે આઈડેન્ટીફાઈ કરાયેલા આ હોસપોટ વિસ્તારમાં પણ માત્ર સ્પીડ ગનની મદદથી દિવસ દરમિયાન જ કામગીરી થઈ રહી છે. આવા હોટસ્પોટ વિસ્તારની રાત્રિએ દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત લીધી હતી. ત્યાં કોઈ જ પ્રકારની પોલીસની કામગીરી જોવા મળી ન હતી.
રાત્રિએ ઓવર સ્પીડિંગનું વધુ પ્રમાણ
દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા જુદા જુદા વ્યક્તિઓ અને નિષ્ણાંતો સાથે વાત કરતા એવું જાણવા મળ્યું હતું કે, સૌથી વધુ ઓવર સ્પીડિંગમાં ચલાવતા વાહન ચાલકો, નબીરાઓ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ કે જાહેર રસ્તા ઉપર મોટરસાયકલ પર કે ગાડીમાં સ્ટંટ કરતાં લોકો રાત્રિના 9થી 12 સમયને જ વધુ પસંદ કરે છે. આ સમય દરમિયાન શહેરમાં ટ્રાફિક પણ ઓછો હોય છે અને બીજું બદલાતા નાઈટ આઉટમાં રખડવાના કલચરમાં યુવાઓ દ્વારા આવી પ્રવૃત્તિઓ ખૂબ જ વધુ થતી હોય છે. ત્યારે પોલીસ દ્વારા મહત્ત્વના બનાવવામાં આવેલા હોસપોટ અને જ્યાં રસ્તાને નબીરાઓ રેસિંગ રોડ બનાવતા હોય તેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને તપાસ થવી જોઈએ. પોલીસનું એવું કહેવું છે કે, ત્યાં પોલીસનું સતત ચેકિંગ ચાલી રહ્યું છે. અમે જ્યારે આવા વિસ્તારો અને આવા રસ્તાઓની મુલાકાત કરી ત્યારે 9થી 12 દરમિયાન મુખ્ય સ્પોટ પર કોઈ જ પોલીસ જોવા મળી ન હતી.
અનેક વાહનો ઓવર સ્પીડમાં જોવા મળ્યા
શહેરમાં નબીરાઓ અને યુવાઓ ડુમસ, પીપલોદ, વેસુ, અઠવાલાઇન્સ, ઉધના, મગદલ્લા રોડ, ન્યુ ગૌરવ પથ રોડ, વેસુ વીઆઈપી રોડ જેવા માર્ગો પર ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવે છે. આ રસ્તાઓને રેસિંગ રસ્તાઓની જેમ ગાડીઓ ચલાવીને ઉપયોગ કરવામાં આવે છે. દિવ્ય ભાસ્કર દ્વારા રાત્રિના સમયે આ વિસ્તારોની મુલાકાત લેતા ખરેખર અનેક મોંઘી લક્ઝુરિયસ કારો ઓવર સ્પીડમાં ચલાવતા હોવાનું જોવા મળ્યું હતું. પરંતુ આવા સમયે આ રોડ પર કોઈ જ પ્રકારની પોલીસની ટીમ જોવા મળી ન હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અનેક વખત આ જ રોડ પરના વીડિયો સામે આવ્યા છે અને તે તમામ રાત્રિના જ સમયના હતા.
સુરતમાં સામાન્ય કરતા ગંભીર અકસ્માતો વધુ
સુરતમાં સામે આવેલા છેલ્લા પાંચ વર્ષના અકસ્માતના આંકડાની વિગતો પણ ખૂબ જ ચોકાવનારી જોવા મળી છે. સુરત ટ્રાફિક ડીસીપી પાંચ વર્ષની સરખામણીએ અકસ્માતના કેસોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહી રહ્યા છે, પરંતુ જે આંકડા જોવા મળ્યા છે તે ખરેખર ચિંતા ઉપજાવે છે. કારણ કે, સુરતમાં સામે આવેલા અકસ્માતોમાં પાંચ વર્ષમાં સામાન્ય અકસ્માતોની સરખામણીએ ગંભીર અને અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોની ખૂબ જ મોટી સંખ્યા જોવા મળી છે. પાંચ વર્ષમાં કુલ અકસ્માતો 4,084 જેટલા થયા જેમાંથી નાની-મોટી ઇજાઓ પામેલ સામાન્ય 525 લોકો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અકસ્માતમાં 2062 લોકો જ્યારે અકસ્માતમાં પાંચ વર્ષમાં મૃત્યુ પામેલ 1497 લોકો છે. જે ખરેખર સામાન્ય અકસ્માત કરતા ગંભીર અકસ્માતોનું પ્રમાણ ઊંચું છે તે બતાવી રહ્યું છે.