
રક્તદાન કેમ્પમાં મહિલા અને પુરુષ મળી 75 યુનિટ રકત એકત્રિત કરાયું
હિંમતનગર તાલુકાના દેરોલ પીએસસી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પનો મુખ્ય હેતુ અતિ જોખમી સર્ગભા માતાઓ, નવજાત શિશુઓ, કેન્સર જેવા જરૂરિયાત મંદ લાભાર્થીઓને સમયસર સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી અને સાબરકાંઠા જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં હિમતનગર તાલુકાના દેરોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે જી.એમ.ઇ.આર.એસ બ્લડ બેન્ક હિંમતનગરનાં સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં 75 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતું. ગ્રામ્ય વિસ્તારમાં જુદા- જુદા ગામોમાં રકતદાન કેમ્પના આયોજનથી રકતદાન માટે યુવક- યુવતીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રકતદાન માટે આરોગ્ય કેંદ્રના અધિકારી- કર્મચારીઓ દ્વારા સતત પ્રચાર-પ્રસારથી રક્તદાન કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
અતિ જોખમી સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ, કેન્સર, થેલેસેમિયાના જરુરતમંદ દર્દીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પૂરતું લોહી મળી રહે તેવા ઉમદા આશયથી આ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પમાં 68 પુરુષ અને 7 મહિલાઓએ રક્તદાન કર્યું હતું. સવગઢના 52 વર્ષના ઇમરાનભાઈ ગુલામભાઈ અથાનિયા એ દેરોલ ખાતે 101 મી વાર રકતદાન કરી સર્વે માટે પ્રેરણારુપ બન્યા હતા.