
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર અસર પેદા કરી છે. બાયડ તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરા રાયણના મુવાડા ગામે આજે સવારે થયેલા બનાવે એક ગરીબ પરિવારને રસ્તા પર મૂકી દીધો છે.
ઝાલા ભલાભાઈ બબાભાઈ પોતાના પરિવાર સાથે માટીના મકાનમાં રહેતા હતા. સવારે આશરે નવ વાગ્યે ઘરની દીવાલ અચાનક ધરાશાયી થઈ અને સાથે જ સમગ્ર મકાન ધ્વસ્ત થઈ પડ્યું હતું. સદનસીબે પરિવારના સભ્યો સમયસર બહાર દોડી જતા જાનહાનિ ટળી હતી, પરંતુ ઘરવખરી, માલસામાન તેમજ આવાસસ્થાન પૂરતું નાશ પામ્યું છે.
ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો આ ગરીબ પરિવાર હવે ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારવા મજબૂર થયો છે. ગ્રામજનો સાથે પરિવારજનોએ સરકાર તથા તંત્રને તાત્કાલિક સહાય આપવાની માંગણી કરી છે.
સ્થાનિક તંત્ર આ ઘટના સામે ચુપ રહી ન શકે – તાત્કાલિક રાહત અને નવું નિવાસ ઉપલબ્ધ કરાવવાની સરકારની ફરજ છે. નહીં તો વરસાદી સીઝનમાં આ પરિવાર જેવા અનેક ગરીબ લોકો બેઘર થવાની ભીતિ છે.
ગ્રામજનો દ્વારા સરકારને આ બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક આર્થિક સહાય તથા પુનર્વસનના પગલાં ભરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
રિપોર્ટ આશિષ નાયી
બ્યુરો ચીફ અરવલ્લી