
લુધિયાણા, પંજાબ: પંજાબના લુધિયાણા જિલ્લામાં સતલુજ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. સસરાલી ગામ નજીકનો મુખ્ય ડેમ છેલ્લા 48 કલાકથી તૂટી રહ્યો છે, અને શુક્રવાર સુધીમાં તેમાં 16 ફૂટનું ધોવાણ નોંધાયું છે.
ડેમના ધોવાણને કારણે ખેડૂતોના ટ્યુબવેલ પણ ધોવાઈ ગયા છે. પૂરનું પાણી હવે મુખ્ય ડેમથી 700 મીટર દૂર આવેલા નવા રિંગ ડેમ સુધી પહોંચી ગયું છે, જેનાથી તે પણ જોખમમાં છે. જો આ રિંગ ડેમ પણ તૂટી જશે, તો લુધિયાણાના લગભગ 15 ગામોમાં પૂર આવી શકે છે.
સ્થિતિની ગંભીરતાને જોતા, સેના અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા ડેમના ધોવાણને રોકવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. અધિકારીઓએ સ્થાનિકોને સાવચેત રહેવાની અને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે.
અહેવાલ આશિષ નાઈ અરવલ્લી