
આક્રોશિત વાલીઓએ આજે મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ની કચેરીએ પહોંચી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. વાલીઓએ હાથમાં પોસ્ટર લઈને શાળાના સંચાલન વિરુદ્ધ નારા લગાવ્યા તથા આવી બેદરકારી માટે સંબંધિત જવાબદાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠાવી.
મૃતક વિદ્યાર્થી નયનના માતા-પિતાએ પણ DEOને લેખિત રજૂઆત સોંપી, જેમાં સ્કૂલ ની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવે અને ન્યાય મળ્યા સુધી કડક પગલા લેવાય તેવી નોંધ લેવામાં આવી.
વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે શાળા સંચાલકોની બેદરકારીને કારણે જ આ દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો છે. તેમના કહેવા મુજબ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં શાળા નિષ્ફળ ગઈ છે.
વાલીઓ અને નયનના પરિવારજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ માંગણી કરી છે કે:
સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે.
શાળા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાની કડક ચકાસણી થાય.
આ ઘટનાને લઈને વાલીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તરત જ યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
અહેવાલ આશિષ નાઈ અરવલ્લી