
ગાંધીનગર: ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે મોજે ચંદ્રાલા ગામની સીમમાં ચંદ્રાલા નાકા પોઈન્ટ પાસે એક ઈક્કો એમ્બ્યુલન્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે, ચિલોડાથી હિંમતનગર તરફ જતા સર્વિસ રોડ પર આવેલી આગમન હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન, GJ-18-BV-0701 નંબરની એક ઈક્કો એમ્બ્યુલન્સ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકીને તપાસ કરવામાં આવી.
તપાસ દરમિયાન, એમ્બ્યુલન્સની અંદરથી ૩૩૩ બોટલ અને બીયરનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત ₹૧,૧૨,૦૮૦/- અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે ₹૨,૦૦,૦૦૦/- ની કિંમતની એમ્બ્યુલન્સ પણ જપ્ત કરી છે. આમ, કુલ ₹૩,૧૨,૦૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી કરનાર પોલીસ ટીમમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જી.કે. ભરવાડ, પો.સ.ઈ. શ્રી જી.એમ. રાઠોડ, અ.હે.કો. વિષ્ણુભાઈ ગફુલભાઈ, આ.પો.કો. હસમુખભાઈ સાંજાભાઈ, અને આ.પો.કો. સંજયભાઈ ભીખાભાઈ નો સમાવેશ થાય છે. આ ઘટના અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર