
ગાંધીનગર: ચીલોડા પોલીસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે, પોલીસે એક સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ રૂ. 4,86,340નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ, ગાડી અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
પો.સ.ઈ. જી.એમ. રાઠોડ અને તેમની ટીમ, જેમાં આ.પો.કો. હસમુખભાઈ, સંજયભાઈ, અને કનુભાઈનો સમાવેશ થાય છે, ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, તેમને એક ચોક્કસ બાતમી મળી કે હિંમતનગરથી ચીલોડા તરફ આવતા હાઈવે પર એક સફેદ સ્વિફ્ટ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે.
બાતમી મળતાં જ, પોલીસ ટીમે વોચ ગોઠવી. થોડી જ વારમાં, બાતમીમાં જણાવ્યા મુજબની સ્વિફ્ટ ગાડી (રજી.નં- GJ-01-RK-7369) ત્યાંથી પસાર થતી જોવા મળી. પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો, પરંતુ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી નહીં અને તે વધુ ઝડપથી ભાગી ગયો.
જીવ જોખમમાં નાખીને પીછો
પોલીસ ટીમે તરત જ પ્રાઇવેટ વાહનોમાં બેસીને ગાડીનો પીછો શરૂ કર્યો. આરોપીએ છાલા બ્રિજ પરથી નીચે ઉતરીને સર્વિસ રોડ અને પછી જાખોરા ગામ તરફ ગાડી ભગાવી. ત્યાંથી તે દશેલા ગામ તરફના રસ્તે ગયો. અંતે, દશેલા ગામની સીમમાં એક કાચા રસ્તા પર કાદવ અને કીચડમાં ગાડી ફસાઈ ગઈ. ગાડી ફસાઈ જતાં, તેનો ચાલક ગાડી છોડીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયરની કુલ 780 બોટલો મળી આવી. જેની કિંમત રૂ. 2,85,840/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી, જેની કિંમત રૂ. 2,00,000/- અને એક મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 500/- હતી, તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ રૂ. 4,86,340/-નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. આ સફળતા બદલ ચિલોડા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર