શિસ્તબદ્ધ પાર્ટીની છાપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી(BJP)માં એક જ જિલ્લાના બે નેતાનો જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને બન્ને નેતાઓ એક બીજા વિરુધ્ધ નિવેદનો કરી રહ્યા છે. આ બે નેતા એટલે બીજું કોઈ નહીં, સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય જીતુ સોમાણી. 16 જુલાઈએ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના વિજય સરઘસ બાદ મોહન કુંડારીયાએ ભાષણ કરી ગાડા કૂતરાની કહેવતનું ઉદાહરણ આપી કટાક્ષભર્યું ભાષણ કર્યું હતું, તો સામે જિતુ સોમાણીએ પણ કહ્યું કે, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ મોહનભાઇ અપનાવી રહ્યા છે. ચૂંટણી સમયે પક્ષની વિરુદ્ધમાં કામ કર્યું હતું. હવે મોહનભાઈની ઉંમર થઇ ગઈ છે અને એના પગ નીચેથી જમીન સરકી જતાં બફાટભર્યા ભાષણો કરે છે. જો કે, કેસરીદેવસિંહ અંગે પણ નારાજગી જીતુ સોમાણીએ જરૂર દર્શાવી હતી અને કહ્યું હતું કે, મારા વિજય સરઘસમાં તેઓ ન હતા આવ્યા માટે તેમના વિજય સરઘસમાં હું ન હતો ગયો, બીજું કોઈ કારણ નથી.
કેસરીદેવસિંહનું વિજય સરઘસ કઢાયું હતું
રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયેલા વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલાનું રવિવારે વાંકાનેરમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે વિજય સરઘસમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપરાંત નગરજનો જોડાયા હતા. પરંતુ આ વિજય સરઘસના કાર્યક્રમમાં પણ ભાજપનો જૂથવાદ જોવા મળ્યો હતો. કારણ કે આ વિજય સરઘસ કાર્યક્રમમાં ખુદ વાંકાનેરના જ ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર જોવા મળ્યા હતા. જો કે, આ અંગે જીતુ સોમાણી સ્પષ્ટ કહ્યું કે, મારા વિજય સરઘસમાં તેઓ આવ્યા ન હતા માટે તેમના વિજય સરઘસમાં હું ન હતો ગયો બીજું કોઈ કારણ નથી.
કુંડારિયાએ કહેવતથી જૂથવાદનો અણસાર આપ્યો
વિજય સરઘસ પૂર્ણ થયા બાદ યોજાયેલી સભામાં નેતાઓના ભાષણમાં ભાજપનો જૂથવાદ જોવા મળ્યો હતો. સાંસદ મોહન કુંડારિયાએ પોતાની સ્પીચમાં વિરોધી જૂથ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઘણા લોકોને એમ હતું કે 2024માં પૂરું થઇ જશે પણ હવે તો અહીંથી શરુ થાય છે અને 2029 સુધી સાંસદ તો વાંકાનેરના જ રહેવાના છે. જ્યારે આ જ ભાષણમાં આક્રમક રીતે પ્રહાર કરતા એક કહેવત સાથે કહ્યું જણાવ્યું હતું કે, ખેડૂત ગાડામાં લીલું ભરીને જાય રસ્તો ગમે તેવો હોય બળદ વફાદારીપૂર્વક લઇ જાય છે, ત્યારે નીચે શ્વાન આવી જાય તો એને એમ લાગે કે ગાડું તે ખેંચે છે, પણ વાસ્તવમાં ગાડું બળદ ખેંચતા હોય છે.
કુંડારિયા પર ભાગલા પાડો રાજ કરોની નીતિનો સોમાણીનો આક્ષેપ
સાંસદે કરેલા ભાષણના જવાબમાં જિતુ સોમાણીએ જણાવ્યું હતું કે, તેમની ઉંમર થઇ ગઈ છે માટે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે, માટે તેઓ આવા બફાટભર્યા નિવેદનો કરી રહ્યા છે. મોહનભાઇ વર્ષોથી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી કામ કરી રહ્યા છે તેઓના કામ કેવા છે તે સૌ કોઈ જાણે જ છે.
સાંસદ સામે 2017 અને 2022માં પક્ષમાં ફરિયાદ કરી
મોહન કુંડારીયાએ વર્ષ 2017ની ચૂંટણીમાં પણ મારી વિરુધ્ધ કામ કર્યું હતું અને પક્ષની વિરુધ્ધ કામ કરી પક્ષને સરકારને નુકસાન પહોચાડ્યું હતું. અને પછી વર્ષ 2022માં પણ પક્ષની વિરોધમાં કામ કર્યું હતું. મારી વિરોધમાં પ્રચાર કર્યો હતો પણ જનતાના આશીર્વાદથી હું ચૂંટાયો છુ. મેં પક્ષમાં પણ અગાઉની ચૂંટણીમાં 2017 અને 2022માં સાંસદ વિરુધ્ધ ફરિયાદ કરી છે. આગળ પક્ષ યોગ્ય નિર્ણય લેશે, જે યોગ્ય લાગશે તે. આગામી સમયમાં ટિકિટ જેને પણ મળે, હું તો પાર્ટીનો કાર્યકર છું, પાર્ટી જે નિર્ણય કરશે, જે જવાબદારી મને આપશે તે હું નિભાવીશ.
સાંસદે ગાડું ખેંચવાનું ઉદાહરણ ટાંક્યુ હતું
ભાજપના જ સાંસદે ભાજપના જ ધારાસભ્ય કે જેઓ તેમની વિરોધમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેમને આડે હાથ લેતા કહ્યું કે, આપણા વફાદાર નેતાને આપણે વધાવીએ છીએ, પરંતુ અહીંયા પણ કેટલાક લોકોએ એવું ન સમજવું કે ગાડું તેઓ ખેંચી રહ્યા છે. મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા બદલ તમારા બધાનો હું આભાર વ્યક્ત કરું છું.
રવિવારે વાંકાનેર બાઉન્ડરીથી વિજય સરઘસ નીકળ્યું હતું
કેસરીદેવસિંહ ઝાલાનું વિજય સરઘસ રવિવારે વાંકાનેર બાઉન્ડરી ખાતેથી શરુ કરવામાં આવ્યું હતું અને શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યું હતું. જે વિજય સરઘસમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી, સાંસદ મોહન કુંડારિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને ધારાસભ્ય કાન્તી અમૃતિયા તેમજ સહકારી અગ્રણી મગન વડાવીયા પણ જોડાયા હતા.
Source By Divya Bhaskar