કુદરતે દરેક વ્યક્તિને કંઇને કંઇ કળા આપી હોય છે. બસ એને આપણે ઉજાગર કરવાની હોય છે. આવી જ એક કળા છે વડોદરાના ગજાનંદ પારેખ જોડે.. ગજાનંદ પારેખ પોતાના ગળામાંથી એક બે નહીં પણ 19 પ્રકારના વાજિંત્રના સુર રેલાવી જાણે છે. શ્ર્વાસોચ્છવાસ બંધ રાખી 19 પ્રકારના વાજિંત્રોના અવાજો કાઢવાએ કંઇ નાની વાત નથી. આ કળા માટે ગજાનંદ પારેખને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ગજાનંદ પારેખે તાજેતરમાં ભાવનગરમાં એક ટોક્સો કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોતના ગળામાંથી અનેક વાજિંત્રો વગાડ્યા હતા.
લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું
વન મેન ઓરકેસ્ટ્રાના જાણીતા એવા ગજાનંદ પારેખ પોતાના ગળામાંથી અનેક પ્રકારના વાજિંત્રો વગાડી જાણે છે. તેમની આ સિદ્ધિ બદલ તેમણે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એક ખાનગી કાર્યક્રમમાં પોતાની કલા પીરસવા ભાવનગર આવેલા ગજાનંદ પારેખે પોતાના ગળામાંથી 19 જેટલા વાજિંત્રાના અવનવા સુર રેલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, લોકોએ પણ તેમને તાળીઓના ગડગડાથી વધાવ્યા હતા.
કલાનો પ્રારંભ 1985થી કર્યો
ગજાનંદ પારેખ પોતાના ગળામાંથી તબલા, ઢોલક, ઢોલ, કોંગો, ઓક્ટોપેડ, ડ્રમ, બેઝ ગિટાર, ડફલી, ડાકલા, ખંજરી, વાંસળી, બેન્જો અને શરણાઈ સહિત અનેક વાજિંત્રો વગાડે છે. આ કલાનો પ્રારંભ તેને 1985થી કર્યો હતો. ગજાનંદ દરરોજ સવારે 5 વાગે અને રાત્રિના 11 વાગ્યા સુધી ગળામાંથી અવનવા મ્યુઝિક કાઢવાના રિયાઝ કરે છે.
મેડિકલ સાયન્સ માટે પણ પડકાર જનક
ગળામાંથી અનેક પ્રકારના વાજિંત્રોનો અવાજ નીકળતો હોવાથી ડોક્ટરો પણ વિસ્મય પામે છે. ગજાનંદ પારેખના જણાવ્યા મુજબ અમેરિકામાં મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેના શરીરનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું કે અવાજ કઈ રીતે નીકળે છે? પરંતુ ડોક્ટરો પણ અવાજ કઇ રીતે નીકળે છે એ ગોતી શક્યા નથી અને મને પણ નથી ખબર આ ક્યાંથી આવે છે.
વિદેશમાં 60થી વધુ કાર્યક્રમ કર્યા
ગજાનંદ પારેખે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ કુદરતી કળા છે. જેના રિયાઝ મે 1985થી શરૂ કર્યા છે. આના માટે શ્વાસ એકદમ રોકી રાખવામાં આવે છે. કોઈપણ રિધમનો ઉપયોગ કરતી વખતે ફેફસામાં ઓક્સિજન ભરી રાખવો પડે છે અને ઓક્સિજન જમા થઈ ગયા બાદ એક સાથે આ ઓક્સિજન બહાર કાઢી તેમાંથી અનેક રિધમો બનાવી શ્રોતાઓ સમક્ષ રજૂ કરે છે. હવાના ઈફેક્ટથી ધ્વનિ તૈયાર થાય છે, આ કુદરતી વસ્તુ છે અને જો શ્વાસ રોકાઈ જાય તો માણસને એમ્બ્યુલન્સ બોલાવી પડે છે. આ બધાથી શક્ય નથી, આ મારા પર કુદરતની દેન છે. જેના કારણે હું ગળામાંથી અવનવા પ્રકારના વાજિંત્રોના અવાજ વગાડી શકું છું. અત્યાર સુધીમાં 500થી વધુ કાર્યક્રમમાં કર્યા છે, જેમાં વિદેશમાં 60થી વધુ કાર્યક્રમ કર્યા છે.
Source By Divya Bhaskar