અદ્યતન ડ્રોન ટેકનોલોજીની મદદથી મહીસાગર જિલ્લાના ઐતિહાસિક સ્થળ માનગઢ હિલ્સ ખાતે સીડ્સ(બીજ) તેમજ સીડ બોલનું બ્રોડકાસ્ટિંગ કરાયું હતું. મહીસાગર જિલ્લામાં વન વિભાગ દ્વારા પહેલીવાર અધ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી માનગઢ હિલને લીલુછમ બનાવવાના પ્રયાસ રૂપે 15 હેક્ટર વિસ્તારમાં ખાખરા, ખેર, કણજી અને વાંસ જેવા બીજોનું સીડ બોલ બનાવીને ડ્રોનના માધ્યમથી વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. જંગલ વિસ્તારના દુર્ગમ વિસ્તારો કે જ્યાં રોપા લઇ જવા સરળ ન હોઈ તેમજ પથરાળ વિસ્તારોમાં નવી ઝુંબેશરૂપે સીડ બોલ બનાવીને જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન વડે બ્રોડકાસ્ટિંગ કરીને એક નવો ચીલો ચિતરવામાં આવ્યો છે.
ઐતિહાસિક સ્થળ માનગઢની ટેકરી ખાતે 75 કિલો ખાખરા અને 75 કિલો ખેર મળીને કુલ 4 લાખ કરતાં પણ વધારે બીજનું ટેકરી પર છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળો જેવા કે લુણાવાડા ખાતે ખોડા આંબાનો જંગલ વિસ્તાર, ખાનપુર ખાતે વાવકુવાનો જંગલ વિસ્તાર, કડાણા ખાતે ભેમાપુરના જંગલ વિસ્તારમાં અને સંતરામપુર ખાતે માનગઢ ઉપરાંત સાતકુંડા ફાચર જંગલ વિસ્તાર તેમજ બાલાસિનોર રેંજ ખાતે વીરપુર તાલુકાના ઝમજરના ડુંગર વિસ્તારમાં કુલ 40 હેક્ટર વિસ્તારમાં 200 કિલો ખાખરા અને 200 કિલો ખેર મળીને કુલ 40 લાખ કરતાં પણ વધારે બીજનો છંટકાવ ડ્રોન માધ્યમથી કરવામાં આવ્યો. જેની મદદથી આગામી સમયમાં ડુંગરોની બોડી ટેકરીઓ લીલીછમ બનાવવામાં મદદ મળશે.
આજના કાર્યક્રમમાં વન સંરક્ષક સામાજિક વનીકરણ વર્તુળ કરુપ્પા સ્વામી, મહીસાગર નાયબ વન સંરક્ષક એન.વી.ચૌધરી, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક એમ.ડી .જાની તથા મહીસાગરના સંતરામપુર તાલુકાના ક્ષેત્રીય સ્ટાફ/કર્મચારીઓ તેમજ વન વિકાસ મંડળીના સભ્યો/પ્રમુખો અને સ્થાનિક ગામલોકોની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યો.
Source By Divya Bhaskar