ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ગેરેજનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં ધોનીનું બાઇક અને કારનું કલેક્શન જોઈ શકાય છે. ધોનીને બાઇક અને કારનો ઘણો શોખ છે.
વેંકટેશ પ્રસાદ અને સુનીલ જોશીએ તાજેતરમાં રાંચીમાં ધોનીની બાઇક-કારનું આ કલેક્શન જોયું અને ધોનીને જુસ્સાદાર વ્યક્તિ જણાવ્યો. વેંકટેશે ટ્વીટમાં ધોનીની બાઇક અને કાર કલેક્શનનો વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું, ‘મેં એક વ્યક્તિમાં જબરદસ્ત જોશ જોયો છે. કેવું કલેક્શન અને કેવો માણસ છે ધોની. આ તેમના રાંચીના ઘરે બાઇક અને કારના સંગ્રહની એક ઝલક છે. આ માણસ અને તેનું આ અદભુત કલેક્શન.’
વીડિયોમાં વેંકટેશને પૂછવામાં આવ્યું છે કે રાંચી આવ્યા પછી તે કેવું અનુભવે છે અને જો તે અહીં પહેલીવાર આવ્યો છે તો તે કહે છે કે- અમેઝિંગ. તેણે કહ્યું કે તે પહેલીવાર નહીં પરંતુ ચોથી વખત રાંચી આવ્યો છે. પરંતુ આ (ધોનીનું બાઇક કલેક્શન) ખરેખર શાનદાર છે. જ્યાં સુધી આવો જુસ્સો ન હોય ત્યાં સુધી તમારી પાસે આટલી બાઈક ન હોઈ શકે.
ધોનીને બાઇક અને કારનો ઘણો શોખ છે
ધોનીને બાઇક અને કારનો ઘણો શોખ છે. ધોનીએ તેના રાંચી ફાર્મહાઉસમાં બાઇક માટે બે માળનું ગેરેજ બનાવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ધોની પાસે લગભગ 100 બાઇકનું કલેક્શન છે. તેમાં 22 લાખ રૂપિયાની હાર્લી ડેવિડસન અને 35 લાખ રૂપિયાની કાવાસાકી નિન્જા-2 જેવી બાઇક પણ સામેલ છે. ધોનીના ગેરેજમાં કારનું પણ મોટું કલેક્શન છે.
ગ્રાફિક્સમાં ધાનીનું બાઇક કલેક્શન જુઓ
1. કાવાસાકી નિન્જા
કાવાસાકી નિન્જા ZX14R એ આકર્ષક ડિઝાઇન સાથે ઝડપી ગતિવાળી સ્પોર્ટ્સ બાઇક છે. જે મહેન્દ્ર સિંહ ધોની સાથે છે. આ બાઇકની કિંમત 19.7 લાખ રૂપિયા છે.
2. BSA ગોલ્ડસ્ટાર
BSA ગોલ્ડસ્ટાર એ વિન્ટેજ બાઇકોમાંથી એક છે જે મહેન્દ્ર સિંહ ધોનીના ગેરેજમાં સામેલ છે.
ધોની આગામી IPLમાં પણ જોવા મળી શકે છે
ધોની આગામી IPLમાં પણ રમતા જોવા મળી શકે છે. 29 મેના રોજ પાંચમી વખત IPL ખિતાબ જીતવા પર ધોનીએ કહ્યું હતું- જો તમે તક જોશો તો નિવૃત્તિની જાહેરાત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. દરેકનો આભાર માનતા નિવૃત્તિ લેવી મારા માટે સરળ છે. જ્યારે 9 મહિના સુધી સખત મહેનત કરવી અને બીજી IPL સિઝન રમવી એ અઘરું કામ છે. આ મારા તરફથી ફેન્સને ભેટ હશે. મારા શરીર માટે તે સરળ રહેશે નહીં.
ધોનીનું ઓપરેશન 1 જૂને મુંબઈમાં થયું હતું
IPL 2023ની ફાઈનલ બાદ 1 જૂનના રોજ ધોનીએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીનું ઓપરેશન ડો.દિનશા પારડીવાલાએ કર્યું હતું. પારડીવાલાએ રિષભ પંત અને ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાનું પણ ઓપરેશન કર્યું છે.
Source By Divya Bhaskar