એચડીએફસીનું 40 અબજ ડોલરનું મેગા મર્જર પહેલી જુલાઈથી અમલી બન્યું હતું પરંતુ હકીકતમાં અમલીકરણ આજથી શરૂ થયું છે. 12 જુલાઈ શેર એલોટમેન્ટ માટેની રેકોર્ડ ડેટ હતી આજે બીએસઇ પર બે ટકાથી વધુની તેજી સાથે શેર રૂ.1679.20ના લેવલે બંધ રહ્યો હતો. એચડીએફસી લિ.ની 40 અબજ ડોલરની રિવર્સ મર્જર ડીલ બાદ એચડીએફસી બેન્કને નવા શેરો એલોટ થતાં તે દેશની સૌથી મોટી અને વિશ્વની સાતમી પ્રાઈવેટ બેન્ક બની છે. એચડીએફસી બેન્કની માર્કેટકેપ 100 અબજ ડોલરની સપાટી કુદાવી 12.66 લાખ કરોડથી વધુ પહોંચી હતી. એચડીએફસી બેન્ક સરેરાશ 152 અબજ ડોલર એટલે કે રૂ. 12.66 લાખ કરોડની માર્કેટકેપ સાથે હવે મોર્ગન સ્ટેન્લી અને બેન્ક ઓફ ચાઇના જેવી ટોચની બેન્કો સાથે વિશ્વની સાતમી સૌથી મોટી ધિરાણકર્તા બની છે.
ભારતીય બેન્કોની સ્થિતિ મજબૂત રહી
જોકે, HDFC બેન્ક જે.પી. મોર્ગન ($438 અબજ), બેન્ક ઓફ અમેરિકા (232 અબજ), ચીનની ICBC ($224 અબજ), એગ્રીકલ્ચરલ બેન્ક ઑફ ચાઇના ($171 અબજ), વેલ્સ ફર્ગો ($163 અબજ) અને HSBC ($160 અબજ)થી પાછળ છે. મર્જ થયેલી એન્ટિટી તરીકે, એચડીએફસી બેન્ક ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ મોર્ગન સ્ટેનલી ($143 અબજ) અને ગોલ્ડમેન સૅક્સ ($108 અબજ) કરતાં વધુ માર્કેટકેપ ધરાવે છે. વિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજદરમાં થયેલા વધારા છતાં ભારતીય બેન્કોની સ્થિતિ મજબૂત રહી છે અને આગામી સમયમાં પણ સારો દેખાવ કરે તેવો અંદાજ છે.
વિશ્વની ટોચની 10 બેન્કોની માર્કેટકેપ | |
બેન્ક | માર્કેટકેપ |
જે.પી. મોર્ગન | 438 |
બેન્ક ઓફ અમેરિકા | 232 |
આઇસીબીસી | 224 |
એગ્રી.બેન્ક ઓફ ચાઇના | 171 |
વેલ્સ ફર્ગો | 163 |
એચએસબીસી | 160 |
એચડીએફસી બેન્ક | 151 |
મોર્ગન સ્ટેન્લી | 143 |
ચાઇના કન્સ્ટ્રક્શન બેન્ક | 141 |
બેન્ક ઓફ ચાઇના | 138 |
નોંધ: તમામ આંકડા અબજ ડોલરમાં |
Source By Divya Bhaskar