
ધોળકા, ભુંભલી – ધોળકા તાલુકાના ભુંભલી ગામે એક ખેતરમાં ડાંગરનું નિંદામણ કરી રહેલા 60 વર્ષીય વૃદ્ધાને સાપે ડંખ મારતા તેમની હાલત ગંભીર બની હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો.
આ ઘટના અંગે વધુ વિગતો આપતા, ભુંભલી ગામના 60 વર્ષીય વૃદ્ધાને ડાબા પગે સાપે ડંખ માર્યો હતો. સાપ કરડ્યા બાદ પગમાં સોજો, ખંજવાળ, પીડા અને ચક્કર આવવા જેવી ગંભીર અસરો જોવા મળી હતી. દર્દીના પુત્રએ તાત્કાલિક 108 કંટ્રોલરૂમમાં ફોન કરતા, વટામણ ખાતે કાર્યરત 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો.
કોલ મળતાની સાથે જ એમ્બ્યુલન્સના EMT હિંમત ચાવડા અને પાયલોટ જયરાજસિંહ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ, તેમણે દર્દીની તપાસ કરી અને 108 કંટ્રોલરૂમમાં હાજર ઇઆરસીપી ડોક્ટરની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.
પ્રાથમિક સારવાર બાદ, વૃદ્ધાને વધુ સારવાર માટે ધોળકાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108ની સમયસર અને સચોટ કામગીરીને કારણે વૃદ્ધાનો જીવ બચાવી શકાયો હતો.